Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાઇરસ : અમદાવાદમાં પૉઝિટિવ કેસ 1100ને પાર કેવી રીતે પહોંચ્યા?

Webdunia
સોમવાર, 20 એપ્રિલ 2020 (11:00 IST)
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 1743 કેસ નોંધાયા છે, જેમાંથી માત્ર અમદવાદમાં જ 1101 કેસ છે. અમદાવાદમાં 17 તારીખને શુક્રવારે સવારે કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 590 હતી. માત્ર બે જ દિવસમાં કેસની સંખ્યા વધીને 1100ને પાર પહોંચી હતી. અમદાવાદમાં શુક્રવારે સાંજે 32 કેસ નોંધાયા હતા. ત્યારબાદ અમદાવાદમાં 18મી તારીખે સાંજ સુધીમાં 239 અને રવિવારે સવારે 140 પૉઝિટિવ કેસ નોંધાયા હતા.
 
આ બાદ 19મી તારીખે સાંજે આવેલા બુલેટિન પ્રમાણે નવા 99 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 29 પર પહોંચી છે.
 
અમદાવાદમાં આંકડો 1000ને પાર કેવી રીતે કરી ગયો?
 
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના કહેવા પ્રમાણે :
 
"ચેપગ્રસ્ત દરદી 14 દિવસમાં માંદો પડ્યા પછી હૉસ્પિટલમાં આવે ત્યારે ટેસ્ટ કરવામાં આવે તેને પેસિવ સર્વેલન્સ કહેવામાં આવે છે, ત્યાં સુધીમાં તેણે અનેકને ચેપ લગાડ્યો હોય છે. તેની સામે આપણે પ્રોઍક્ટિવ ઇન્ટેન્સિવ સર્વેલન્સ કરીએ છીએ."
 
તેમણે કહ્યું, "હૉટસ્પૉટ તથા ક્લસ્ટર ક્વૉરેન્ટીન કરાયેલા વિસ્તારમાં શંકાસ્પદ કેસોની નોંધણી થઈ હતી તે વિસ્તારોમાં પણ સઘન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોવાથી કેસની સંખ્યા વધી રહી છે."
 
વિજય નેહરાએ વધુમાં એમ પણ કહ્યું, "આપણા શહેરની વસતી 80 લાખની છે. એ વસતી ઘણી મોટી છે. ઉપરાંત ચેપગ્રસ્ત શહેરો, જેમ કે દિલ્હી, મુંબઈ, ઇન્દોરમાંથી ઘણા બધા લોકો વધારે આવ્યા હતા. જેના કારણે કેસની સંખ્યા વધુ છે."
 
આ ઉપરાંત ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિ પણ કેસોની સંખ્યામાં ઉછાળ માટે પ્રોઍક્ટિવ ટેસ્ટિંગને જવાબદાર માની રહ્યાં છે.
 
અમદાવાદના ડૉક્ટર પ્રવીણ ગર્ગે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યને જણાવ્યું હતું, "જે શહેરમાં ટેસ્ટ વધારે થાય ત્યાં વધારે કેસ સામે આવે છે. અમદાવાદમાં ટેસ્ટ વધારે સારી રીતે થઈ રહ્યા છે તેથી ત્યાં પૉઝિટિવ કેસની સંખ્યા દેખીતી રીતે સામે આવી રહી છે."
 
"જો અન્ય શહરોમાં પણ સઘન ટેસ્ટપ્રક્રિયા શરૂ થાય તો ત્યાં પણ મોટી સંખ્યામાં પૉઝિટિવ કેસ સામે આવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના માટેની મેડિકલ ટેસ્ટ કિટ્સ વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી છે"
 
કેસ વધવા પાછળ ટેસ્ટિંગની સ્ટ્રેટર્જી જવાબદાર
 
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા
ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ આજે સવારે યોજેલી પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, "ગુજરાતમાં 10 લાખે 447.81 લોકોના ટેસ્ટ કરીએ છીએ. જ્યારે આખા ભારતની એવરેજ 10 લાખે 269 છે."
 
કમિશનર વિજય નેહરા કેસ વધવા પાછળ ટેસ્ટિંગ સ્ટ્રેટર્જીને જવાબદાર ગણાવતાં કહે છે, "પશ્ચિમ બંગાળમાં 10 લાખે 47 પરીક્ષણ થઈ રહ્યાં છે, જ્યારે આંધ્ર પ્રદેશ અને ગુજરાત જેવાં રાજ્યોમાં 10 લાખે 400 જેટલાં પરીક્ષણ થયાં છે. કેરળમાં 10 લાખે 512 અને રાજસ્થાનમાં 516 પરીક્ષણ, મહારાષ્ટ્રમાં 10 લાખે 551 પરીક્ષણ થઈ રહ્યાં છે."
 
17 તારીખ શુક્રવારે સવારે સરકારે જાહેર કરેલી અખબાર યાદીમાં જાણવા મળે છે કે સરકારે આખા રાજ્યમાં 1608 ટેસ્ટ કર્યા હતા. જેમાં 150 લોકો પૉઝિટિવ આવ્યા હતા. જ્યારે રવિવારે સવાર સુધીમાં ટેસ્ટિંગની સંખ્યા બમણી થઈ ગઈ છે.
 
ભારતમાં કોરોના વાઇરસના કેસ
આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.
રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 4203 507 223
દિલ્હી 2003 72 45
ગુજરાત 1743 105 63
રાજસ્થાન 1478 183 14
તામિલનાડુ 1477 411 15
મધ્ય પ્રદેશ 1407 127 70
ઉત્તર પ્રદેશ 1084 108 17
તેલંગણા 844 186 18
આંધ્ર પ્રદેશ 646 42 15
કેરળ 402 270 3
કર્ણાટક 390 111 16
જમ્મુ-કાશ્મીર 350 56 5
પશ્ચિમ બંગાળ 339 66 12
હરિયાણા 233 87 3
પંજાબ 219 31 16
બિહાર 93 42 2
ઓડિશા 68 24 1
ઉત્તરાખંડ 44 11 0
હિમાચલ પ્રદેશ 39 16 1
છત્તીગઢ 36 25 0
ઝારખંડ 35 0 2
આસામ 35 17 1
ચંદીગઢ 26 13 0
લદ્દાખ 18 14 0
આંદમાન નિકોબાર 15 11 0
ગોવા 7 7 0
પુડ્ડુચેરી 7 3 0
મણિપુર 2 1 0
મિઝોરમ 1 0 0
 
સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર
 
કલાકની સ્થિતિ 10: 7 IST
રવિવારે ગુજરાત સરકારે જાહેર કરેલી અખબાર યાદી પ્રમાણે 3598 લોકોનું પરીક્ષણ કર્યું છે.
 
આરોગ્ય સચિવ જયંતી રવિએ એમ પણ કહ્યું હતું કે ક્લસ્ટર ક્વૉરેન્ટીન વિસ્તારમાં કર્ફ્યુ બાદ સઘન ટેસ્ટિંગ કરવાથી ઘણા નવા કેસની સંખ્યામાં વધારો થયો છે.
 
અમદાવાદના ડૉક્ટર પ્રવીણ ગર્ગે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યને વધુમાં જણાવ્યું, "અમદાવાદ ગુજરાતનું મોટું અને પ્રમુખ શહેર છે, તેથી સ્વાભાવિક છે કે એ કિટનો ઉપયોગ અમદાવાદમાં વધુ થવાનો છે. તેથી કેસ વધુ દેખાઈ રહ્યા છે. રાજ્યનાં છેવાડાનાં શહેરો અને ગામોમાં તો ટેસ્ટિંગની પૂરતી સુવિધા નથી પહોંચી, તેથી કેસ દેખાતા નથી, પણ એવું માની ન શકાય કે ત્યાં કેસ નહિવત્ છે."
 
જયંતી રવિએ ટેસ્ટિંગ અંગે એમ પણ કહ્યું, "રેપિડ ટેસ્ટિંગ કિટ આવ્યા બાદ શનિવારે લોકોને તાલીમ અપાઈ અને આજે લોકો તપાસ કરવા વિવિધ જિલ્લામાં પહોંચશે. જેથી ટેસ્ટિંગ વધારે ઝડપી થઈ શકે"
 
ગીચ વિસ્તારો હોવાના કારણે કેસની સંખ્યા વધારે
 
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આપેલી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હદવાળા વિસ્તારમાં કુલ 978 કેસ નોંધાયા છે.
 
જેમાં સૌથી વધારે મધ્ય ઝોન (426 કેસ) અને દક્ષિણ ઝોનમાં (329 કેસ) નોંધાયા છે. આ બંને ઝોન ગીચ વસતીવાળા વિસ્તારો છે.
 
કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે અમદાવાદનો કોટ અને પૂર્વ વિસ્તાર (દક્ષિણ ઝોન અને મધ્ય ઝોન ઝોનનો મોટા ભાગ જેમાં છે તે) ખૂબ જ ગીચ વસતી છે એટલે અન્ય શહેરો કરતાં વધુ કેસ આ વિસ્તારોમાં સામે આવ્યા છે.
 
અમદાવાદથી ફોટો જર્નાલિસ્ટ કલ્પિત ભચેચે શનિવારે જણાવ્યું હતું કે દક્ષિણ ઝોનના બહેરામપુરા વિસ્તારમાંથી એક જ દિવસમાં 56 કેસ સામે આવ્યા છે.
 
આરોગ્ય સચિવ જયંતી રવિએ કહ્યું હતું કે હાલ અમદાવાદના નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલીફ રોડ, ત્રણ દરવાજા, મણિનગર, જીવરાજ પાર્ક, દાણીલીમડા, મેઘાણીનગર અને જુહાપુરામાં મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે.
 
ભારતમાં કોરોના વાઇરસના કેસ
13835
કુલ કેસ
1767
સાજા થયા
452
મૃત્યુ
સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકારકલાકની સ્થિતિ 19: 0 IST
અમદાવાદમાં કોરોના વાઇરસના ફેલાવા અંગે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે પૂર્વ પ્રાધ્યાપક અને સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની સાથે વાત કરી, ત્યારે તેમણે જણાવ્યું હતું:
 
"અમદાવાદ શહેરની જે ઘનતા છે એ પણ આના માટે જવાબદાર છે. સરકાર કહે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, પરંતુ અમદાવાદની પોળ કે ચાલીમાં રહેતા લોકો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી."
 
"સાંકળી શેરીઓ નાનાં-નાનાં મકાનો, અડોઅડ મકાનો ઉપરાંત કપડાં ધોવાં, વાસણ માંજવાં, દાતણપાણી કરવાં વગેરે કામ ઘરની બહાર જ થતાં હોય છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ વ્યાવહારિક રીતે શક્ય નથી બની શકતું."
 
તેઓ કહે છે, "આવો પ્રશ્ન અમદાવાદના નહેરુનગર કે વસ્ત્રાપુર જેવા પ્રમાણમાં બહોળા અને નવા વિસ્તારોમાં નથી રહેતો. તેથી વધારે ગીચતા-ઘનતા ધરાવતા જૂના એટલે કે કોટ વિસ્તારના અમદાવાદમાં જેટલા કોરોના પૉઝિટિવ કેસ સામે આવે છે એટલા વસ્ત્રાપુર, નહેરુનગરમાં નથી આવતા."
 
"બીજી બાબત એ પણ છે કે શહેરનો જે કોટ વિસ્તાર છે ત્યાં ડ્રોન મારફતે પોલીસને પેટ્રોલિંગ કરવું હોય તો પણ અઘરુ પડે, કારણ કે સાંકળી ગલીઓ છે તેથી દૃશ્યો મેળવવાં અઘરાં પડે. એવી જ રીતે પોલીસને સાંકડી ગલીઓમાં પેટ્રોલિંગ કરવું અઘરું પડે."
 
અમદાવાદના પહેલાં દરદીને એક મહિના બાદ રજા
 
અમદાવાદમાં એક તરફ કોરોના વાઇરસનો આંક 1000 ઉપર પહોંચી ગયો છે. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં જે દરદીને સૌથી પહેલા કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો, તે નિયોમી શાહને સાજા થતાં રજા આપવામાં આવી છે.
 
શાહને અમદાવાદની એસ.વી.પી. હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
 
તેમણે કહ્યું, "મને 17 માર્ચે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બે વખત નૅગેટિવ ટેસ્ટ આવ્યા પછી મને રજા આપવામાં આવી છે. આ લાંબી જર્ની હતી."
 
શાહે નાગરિકોને ઘરે રહેવા તથા નિષેધોનું પાલન કરવાની અપીલ પણ કરી હતી
 
આ ઉપરાંત સાતમી એપ્રિલે મુક્ત થનારાં સ્મૃતિ ઠક્કરે રક્તદાન કર્યું હતું. તેમના લોહીમાંથી પ્લાઝમાને અલગ કરીને તેની મદદથી કોરોનાના દરદીની રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે કે કેમ તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવશે.
 
32 દિવસ અગાઉ શહેરમાં નિયોમી શાહ નામની યુવતીનો પહેલો કેસ નોંધાયો હતો.
 
યોગાનુયોગ જ્યારે શહેરે એક હજારનો આંક પાર કર્યો, ત્યારે જ તેમને શહેરની એસ.વી.પી. હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ઑસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતાં બિલને મંજૂરી

Rishabh Pant -ઋષભ પંત બન્યા IPL ના નવા કિંગ, દસ વર્ષમાં પગાર રૂ. 1.90 કરોડથી વધીને રૂ. 27 કરોડ થયો

Gujarat Weather: ઠંડા પવનોએ ગુજરાતમાં શિયાળો વધાર્યો; વડોદરામાં 14.1 અને અમરેલીમાં 14.3 ડિગ્રી તાપમાન છે.

Fake Australian Dollar Factory in Gujarat : ઓસ્ટ્રેલિયામાં 20 વર્ષ રહ્યા પછી પરત ફરેલા વ્યક્તિએ રચ્યો પુરો ખેલ, જાણો આ ગોરખધંધાની સમગ્ર સ્ટોરી

Maharashtra CM- મહારાષ્ટ્રના સીએમ પર સસ્પેન્સ યથાવત, દિલ્હીમાં થઈ નથી વાતચીત,આજે ફરી મુંબઈમાં યોજાશે બેઠક

આગળનો લેખ
Show comments