Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેવાની સાચી રીત

સેવાની સાચી રીત
W.D
ગુરૂ ઘર (શીખ ધર્મ)માં સેવાનું ઘણું મહત્વ છે. ગુરૂજીએ પોતે પણ સંગતની સેવા કરી છે અને હંમેશા સેવા કરવાનો આદેશ આપ્યો છે. ગુરૂઘરના સેવાદારોમાં એક પ્રમુખ સેવાદાર હતાં ભાઈ ઘનૈયાજી. ભાઈ ઘનૈયાજી ગુરૂ ગોવિંદસિંહજીના દરબારમાં કામ કરતાં હતાં.

ભાઈ ઘનૈયાજી ખુબ જ નિર્મળ સ્વભાવના હતાં અને ગુરૂ ઘરમાં ખુબ જ પ્રેમથી સેવા કરતાં હતાં. જ્યારે ગુરૂ ગોવિંદસિંહજી અન્યાયનો સામનો કરતાં કરતાં યુદ્ધ લડી રહ્યાં હતાં ત્યારે ભાઈ ઘનૈયાજી નીડર બનીને ગુરૂજીની સેનાને પાણી પીવડાવવાનું કાર્ય કરતાં હતાં. પરંતુ ભાઈ ઘનૈયાજી માત્ર ગુરૂજીની સેનાને જ નહિ પણ દુશ્મનની સેનાને પણ પાણી આપતાં હતાં. તેઓ સેવા કરતી વખતે તેવું નહોતા વિચારતાં કે તેઓ પોતાના દુશ્મનને પાણી પાઈ રહ્યાં છે કે દોસ્તને.

ભાઈ ઘનૈયાજીની સેવાથી ગુસ્સે થઈને ગુરૂજીની સેનાના અમુક લોકો ગુરૂ સાહેબજી પાસે પહોચ્યાં અને કહ્યું કે ભાઈ ઘનૈયાજી પોતાની સેનાની સાથે સાથે દુશ્મનની સેનાને પણ પાણી પીવડાવે છે. તેમને રોકવામાં આવે. ગુરૂ ગોવિંદસિંહજીએ ભાઈ ઘનૈયાજીને બોલાવ્યાં અને કહ્યું કે તારી ફરિયાદ આવી છે.

ભાઈ ઘનૈયાજીએ ફરિયાદ સાંભળી અને કહ્યું કે ગુરૂ સાહેબ હું શું કરૂ? મને તો જંગના મેદાનમાં તમારા સિવાય કોઈ જ દેખાતુ નથી. જેને પણ હું જોઉં છુ તેમાં તમે જ દેખાવ છો અને હુ તો તમારી જ સેવા કરૂ છું. તેમણે કહ્યું ગુરૂ સાહેબજી તમે ક્યારેય પણ ભેદભાવ કરવાનો પાઠ તો શીખવાડ્યો જ નથી. ગુરૂ ગોવિંદસિંહજી ભાઈ ઘનૈયાજીની વાતથી ખુબ જ ખુશ થયાં અને તેમણે કહ્યું કે ભાઈ ઘનૈયાજી તમે ગુરૂ ઘરના ઉપદેશોને સાચા અર્થમાં સમજી ગયાં છો.

ગુરૂ ગોવિંદસિંહજીએ ફરિયાદ કરવા માટે આવેલ લોકોને કહ્યું કે આપણો કોઈ જ દુશ્મન નથી. કોઈ ધર્મ કે કોઈ માણસ સાથે આપણી દુશ્મની નથી. દુશ્મની છે જાલિમના ઝુલ્મની સામે જ, નહિ કે માણસની સાથે. એટલા માટે સેવા કરતી વખતે બધાને એકસમાન જ માનવા જોઈએ. ગુરૂ સાહેબે ભાઈ ઘનૈયાજીને મલ્હમ અને પટ્ટી પણ આપી અને કહ્યું કે જ્યાં તમે પાણી પીવડાવો છો ત્યાં આ મલ્હમ અને પટ્ટી કરીને પણ સેવા કરો.

ગુરૂજીના ઉપદેશાનુસાર આપણે યાદ રાખવું જોઈએ કે સેવા કરતી વખતે આપણી દ્રષ્ટિ હંમેશા સમાન રહે.

Share this Story:

Follow Webdunia gujarati