નવ રાજયો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની 107 બેઠકો ઉપર આજે એકંદરે શાંતિપૂર્ણ રીતે આશરે 50 ટકા મતદાન થયું હતું. ઉત્તરપ્રદેશમાં 45 ટકા, મધ્યપ્રદેશમાં 45 ટકા, કર્ણાટકમાં 57 ટકા, મહારાષ્ટ્રમાં 45 ટકા, ગુજરાતમાં 46થી 49 ટકા, જમ્મુ કાશ્મીરમાં 30 ટકા મતદાન નોંધાયું હતું.
સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીમાં 46 ટકા મતદાન થતાં કોંગ્રેસની છાવણીમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જયારે દેશના વાણિજય પાટનગર ગણાતા મુંબઇમાં 40થી 43 ટકા મતદાન થયું હતું. દેશના કોઈપણ રાજયમાંથી કોઈ મોટી ઘટનાના સમાચાર મળ્યા ન હતા. કેટલાક રાજયોમાં ઉંચુ જયારે કેટલાક રાજયોમાં ઓછું મતદાન નાધાયું હતું. ગરમીના પ્રકોપની મતદાન ઉપર અસર થઈ હતી.
આજના મતદાનની સાથે જ 107 બેઠકો ઉપર 101 મહિલા ઉમેદવારો અને 752 અપક્ષ સહિત કુલ 1567 ઊમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. ત્રીજા તબક્કામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અડવાણી, ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડા, શરદ યાદવ, એસ. બંગારપ્પા, પ્રકાશ જયસ્વાલ સહિત ટોકના નેતાઓના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા.
ત્રીજા તબક્કાના મતદાન સાથે જ 545 બેઠકો પૈકી 372 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. સિક્કીમ વિધાનસભાની તમામ 32 બેઠકો માટે પણ મતદાન યોજાયું હતું.