જ્યોતિષશાસ્ત્ર અનુસાર તા.૧૪મી માર્ચથી વૃશ્ચિક રાશિમાં એટલે કે મંગળનાં ઘરમાં શનિ વક્રી બની રહ્યો છે અને તે અંદાજિત સાડા પાંચ મહિના સુધી રહેશે. આ સમયગાળો રાજકીય ઉથપલાપાથલો, અગ્નિપ્રકોપ અને આતંકવાદી હુમલાઓ સાથેનો બની રહે.
આ અંગે વધુ વિગતો આપતાં જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે તા.૧૪મી માર્ચ, ૨૦૧૫થી વૃશ્ચિક રાશિમાં શનિ વક્રી થઇ રહ્યો છે, જે તા.૨ ઓગસ્ટ, ૨૦૧૫ સુધી રહેશે. મંગળ પણ તા.૨૨મી એપ્રિલથી તા.૬ ઓગસ્ટ, ૨૦૧૫ સુધી અસ્ત છે. સાથે જ શનિ વક્રી અને માર્ગી જ્યેષ્ઠા નક્ષત્રમાં રહે છે. બીજી તરફ ગોચરમાં સૂર્ય મીનનો થતાં સૂર્ય-મંગળનો અંગારક બની રહ્યો છે.
મંગળ અસ્ત અને મંગળના ઘરમાં શનિ વક્રી તથા અંગારક યોગનો સમયગાળો ભૂમંડળ ઉપર અઘટિત ઘટનાઓવાળો હોઈ શકે છે. સાથે જ રાજકીય ઉથલપાથલ જોવા મળી શકે છે. અકલ્પનીય ઘટનાઓ હકીકત બનીને સામે આવે તેવી શક્યતાઓ પણ છે. કોઈ મહાન નેતાનું નિધન થઇ શકે અને દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ આવી શકે છે.
તેમણે કહ્યું કે મંગળ અસ્તને કારણે મહાવિસ્ફોટક યોગ બને છે. જેની વધુ પડતી અસર પશ્ચિમી દેશો અને મ્લેચ્છ પ્રજા ઉપર સૌથી વધુ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન સામૂહિક વિનાશક જાનહાનિનાં યોગ પણ બની શકે છે. જ્યારે તા.૨૦મી માર્ચનાં રોજ દર્શ અમાસ, ફાગણ માસની અમાસનાં રોજ મીન રાશિમાં પાંચ ગ્રહો ચંદ્ર-સૂર્ય-મંગળ-કેતુ અને હર્ષલ - એક સાથે આવી રહ્યાં છે. સાથે જ આ દિવસે ખગ્રાસ સૂર્યગ્રહણ છે. જોકે, તે ભારતમાં દેખાવાનું નથી એટલે તેનો દોષ નથી કે તે પાળવાનું પણ નથી. પરંતુ તેની વૈશ્વિક અસર પણ જોવા મળશે. સાથે જ ગરમીનો પ્રકોપ પણ શરૂ થાય, રોગચાળા ઉપર પણ કાબૂ મેળવી શકાય તેમ છે. મોટા વાહન અકસ્માત પણ સર્જાઇ શકે છે.
તેમણે કહ્યું કે ગોચરમાં પંચગ્રહી યોગની સામે રાહુ રહેતાં રાજકારણ સાથે સંકળાયેલી અકલ્પનીય ઘટનાઓ બનતી જોવા મળી શકે છે. સાથે જ મોટા હુલ્લડ કે તોફાનોની શક્યતા પણ નકારી શકાતી નથી.
વૃશ્ચિકના વક્રી શનિની બારેય રાશિ પરની અસર
મેષ : આ રાશિનાં જાતકોએ આરોગ્યની ખાસ કાળજી રાખવી. વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં પણ સંભાળવું.
વૃષભ : આ રાશિનાં જાતકોએ આકસ્મિક તકલીફોનો સામનો કરવો પડે, સ્ત્રી વર્ગે ખાસ સાચવવું.
મિથુન : કોર્ટ આદિ કાર્યોમાં વિજય, રોગ અને શત્રુઓનો નાશ થઇ શકે.
કર્ક : આ રાશિનાં જાતકોએ કૌટુંબિક અશાંતિ કે વિખવાદોની શક્યતા જોવા મળે, બાળકોનું ધ્યાન રાખવું.
સિંહ : આ રાશિનાં જાતકોએ જમીનને લગતાં કાર્યોમાં કાળજી રાખવી, પેટને લગતી ગરબડ થઇ શકે.
કન્યા : આ રાશિનાં જાતકોએ કૌટુંબિક વિખવાદથી સંભાળવું, કાર્યક્ષેત્રે સાહસથી સફળતા મળી શકે.
તુલા : આ રાશિનાં જાતકોને પનોતી ચાલતી હોવાથી મુસાફરીમાં, વાહન ચલાવતા સંભાળવું જરૂરી.
વૃશ્ચિક : ખોટી ચિંતાથી દૂર રહેવું, વાણીનો સંયમ રાખવો હિતાવહ છે.
ધન : આ રાશિનાં જાતકોએ ખોટા ખર્ચાથી સંભાળવું, વિશ્વાસઘાતથી પણ બચવું જરૂરી છે. સટ્ટાથી દૂર રહેવું.
મકર : આ રાશિનાં જતાકોએ જમીન-મકાનનાં કાર્યોમાં કાળજી રાખવી, વેપારમાં ભાગીદારીથી સંભાળવું.
કુંભ : યાત્રા-પ્રવાસથી સંભાળવું, પેટને લગતી બીમારી થઇ શકે છે.
મીન : આ રાશિનાં જાતકોએ પાણીજન્ય રોગથી કાળજી રાખવી, કાર્યક્ષેત્રે શાંતિ જાળવી રાખવી.