સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે પ્રમુખ ટ્રમ્પના રાજકીય જીવનની સૌથી મોટી રેલી માટે અમદાવાદ તેમને આવકારવા સજજ થઈ રહ્યું છે ત્યારે સ્ટેડીયમ અસ્તિત્વમાં આવ્યું એ પાછળની જવાબદાર વ્યક્તિ આજે હાજર નહીં હોય. 1983માં માત્ર 8 મહિના અને 13 દિવસમાં સ્ટેડીયમ મૂળસ્વરૂપે તૈયાર કરાવનારા મૃગેશ જયકૃષ્ણને આજના કાર્યક્રમમાં નિમંત્રવામાં આવ્યા નથી.
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)ના ઉપાધ્યક્ષ તથા ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પુર્વ વાઈસ પ્રેસીડેન્ટ જયકૃષ્ણએ પોતાને આમંત્રણ નહીં મળ્યાના અહેવાલને સમર્થન આપ્યું હતું.
નવા અવતારમાં સરદાર પટેલ સ્ટેડીયમ 1.10 લાખ લોકોને સમાવવાની ક્ષમતા સાથે વિશ્ર્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ હોવાનો દાવો કરી શકે, પણ 36 વર્ષ અગાઉ શરૂઆતનું મોટેરા સ્ટેડીયમ 63 એકરની ઉબડખાબડ, વેરાન જમીન હતી. સ્પોર્ટસ કલબ નજીકના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે પાસ માટે અવારનવાર ખેંચતાણ થતી હોવાથી શહેરના સંપતિવાન પરિવારો પૈકી એક વારસ જયકૃષ્ણને નવું ક્રિકેટ સ્ટેડીયમ બનાવવાનો વિચાર આવ્યો હતો.
76 વર્ષના જયકૃષ્ણના જણાવ્યા મુજબ એ વખતના મુખ્યપ્રધાન માધવસિંહનો તેમણે જમીન માટે સંપર્તિ સાધ્યો હતો, અને તેમને નવું સ્ટેડીયમ બાંધવાની માંગ ગળે ઉતરી હતી. તેમના પક્ષના નેતાઓના વિરોધ છતાં સોલંકી તેમના નિર્ણયને વળગી રહ્યા હતા.
જૂના મોટેરા સ્ટેડીયમનું ભૂમિપૂજન એ વખતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે કર્યું હતું. સ્ટેડીયમના નિર્ણય માટે ભારતીયો, એનઆરઆઈ અન સરકારી બેંકોની મદદ લેવામાં આવી હતી. નવેમ્બર 1983માં વેસ્ટઈન્ડિઝ અને ભારત વચ્ચેના ટેસ્ટ પહેલા સ્ટેડીયમ 8 મહિના અને 13 દિવસમાં તૈયાર થઈ ગયું હતું.
ગુજરાતમાં સતા પર આવ્યા પછી એ વખતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી 2009માં ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ ચુંટાયા હતા, અને ક્રિકેટ વિષે વધુ જાણકારી મેળવવા જયકૃષ્ણ સાથે વાતચીત કરી હતી. સ્ટેડીયમ વિષે પણ તેમણે ઘણા સવાલો કરી ક્રિકેટ બહેતર બનાવવા સૂચનો માંગ્યા હતા.