Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેર બજાર ગબડ્યુ

શેર બજાર ગબડ્યુ
, સોમવાર, 27 ફેબ્રુઆરી 2012 (17:50 IST)
P.R
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા જતા ભાવને કારણે ઘરઆંગણે વ્યાજદરોમાં ઘટાડાની આશા ઓસરી જતા શેરબજારમાં આજે સતત ચોથા સેશનમાં મંદીનો માહોલ હતો. સેન્સેક્સ 478 પોઇન્ટ ઘટીને 17446 અને નિફ્ટી 93 આંકની મંદી લઈને 5336 પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેના કારણે બજારના વર્ગોમાં ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના માર્જિનને લઈને તો ફફડાટ પેઠો જ છે, ઉપરાંત અર્થતંત્રની હાલત વધુ કથળવાની બીક પણ લોકોને સતાવી રહી છે. કદાચ હવેના સમયમાં શેરોમાં વેચાણ વધુ તીવ્ર બને તો નવાઈ નહીં. પરંતુ એક વાત નિશ્ચિત છે કે શેરબજારમાં પાછલા 2-3 સેશનથી જોવા મળી રહેલી મંદીની ચાલ થોડા સમય માટે જ છે. શેરબજારના "આખલા"એ હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે!

આજે સવારથી જ શેરોમાં એકધારી મંદી નોંધાઈ હતી. બપોરે યુરોપના બજારોમાં પણ નરમાઈનો માહોલ રહેતા સેન્સેક્સ-નિફ્ટીનો મૂડ વધુ બગડ્યો હતો. સોમવારે બીએસઈ સેન્સેક્સ આગલા બંધ 17923.5 સામે આજે 17975ના સામાન્ય ઉંચા મથાળે ખૂલ્યાં બાદ સતત ઘટીને 17382 પોઇન્ટનું બોટમ બતાવી અંતે 2.67 ટકાની મંદી સાથે 17446 બંધ રહ્યો હતો. સેન્સેક્સ એક તબક્કે ગઈકાલના બંધની તુલનાએ 500 પોઇન્ટ કરતા પણ વધુ તૂટી ગયો હતો, પરંતુ કામકાજના આખરી કલાક દરમિયાન નજીવો રિકવર થયો હતો. નિફ્ટી શુક્રવારના બંધ 5429.3 સામે 5448 ખૂલી નીચામાં 5268 થઈ છેલ્લે 2.73 ટકા ગુમાવીને 5281 બંધ રહ્યો છે. સેન્સેક્સે 17500 અને નિફ્ટીએ 5300 આંકની સપાટી ગુમાવી દીધી છે.

બીએસઈના સેક્ટોરલ ઇન્ડાઇસિસ પૈકી રિયલ્ટી 5.3 ટકા, મેટલ 4.8 ટકા, પાવર 4 ટકા, બેંકેક્સ લગભગ 4 ટકા, કેપિટલ ગુડ્સ 3.5 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 3.4 ટકા, ઓટો 3.3 ટકા, સ્મોલકેપ 3.2 ટકા, મિડકેપ 3 ટકા, ઓઇલ એન્ડ ગેસ 3 ટકા, પીએસયુ 2.7 ટકા, આઇટી ઇન્ડેક્સ 2 ટકા અને ટેક્નોલોજી ઇન્ડેક્સ 2 ટકા ખાબકીને બંધ રહ્યો હતો. ભારે વેચવાલી વચ્ચે પણ એફએમસીજી શેરો અણનમ રહ્યાં હતા. બીએસઈનો એફએમસીજી ઇન્ડેક્સ 12.2 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.

હેવીવેઇટ પૈકી આઇટીસી 1.3 ટકા અને સન ફાર્મા વધીને બંધ રહ્યો હતો. આ બેને બાદ કરતા બાકીના તમામ શેરો 7.3 ટકાથી લઈ મામૂલી ગિરાવટ સાથે બંધ રહ્યાં હતા. સૌથી વધુ 7 ટકાનો માર ખાનારો શેર તાતા સ્ટીલ હતો.

સેન્સેક્સની આજના 478 પોઇન્ટનાઘટાડામાં એકલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જ ફાળો 83 પોઇન્ટનો હતો. આ સિવાય આઇસીઆઇસીઆઇ બેંકનું 60.5 પોઇન્ટ, ઇન્ફોસિસનો 39.2 પોઇન્ટ, લાર્સન એન્ડ ટુબ્રોનો 31.6 પોઇન્ટ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો 27.4 પોઇન્ટનો ફાળો રહ્યો હતો.

ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે ઘર્ષણની સંભાવના વધી રહી છે, તેની સાથોસાથ માંદગીના બિછાને પડેલા વૈશ્વિક અર્થતંત્ર ઉપર આ ઘટનાક્રમની આડઅસરોને લઈને પણ બજારમાં શંકાઓ જાગી રહી છે. બીજી બાજુ, ભારતના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો તથા 16 માર્ચે રજૂ થઈ રહેલા બજેટ પૂર્વે રોકાણકારો સાવચેત બન્યાં છે.

બીએસઈ ખાતે કુલ 2210 શેર ઘટ્યાં હતા, જ્યારે સામે માત્ર 649 શેર વધ્યાં હતા. કામકાજના પ્રમાણમાં ભારતીય સ્ટેટ બેંક રૂ. 146.5 કરોડના ટર્નઓવર સાથે સમગ્ર બજારમાં મોખરે રહ્યો હતો, ત્યારબાદ સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 88.8 કરોડ સાથે બીજા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 73.4 કરોડ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati