વિધાનસભા ખાતે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રી વતી પ્રત્યુત્તર આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલ જણાવ્યું છે, કે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે.રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૮૯ ગુજરાતી ચલચિત્રોને રૂ. ૪૭ કરોડની આર્થિક સહાય ચૂકવાઇ છે. ચાલુ વર્ષે ૪૩ ફિલ્મોને ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે.
મંત્રી ઉમેર્યું કે, ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૧૬ થી આ સહાય આપવાની નીતિ કાર્યરત છે અને વર્ષ ૨૦૧૯માં તેને ઉદાર કરીને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નીતિ અન્વયે ચલચિત્રોને ગ્રેડ અનુસાર સહાય અપાય છે. જેમાં A+ ગ્રેડ માટે રૂપિયા ૭૫ લાખ A ગ્રેડ માટે રૂ. ૫૦ લાખ, B ગ્રેડ માટે રૂ. ૪૦ લાખ, C ગ્રેડ માટે રૂ. ૩૦ લાખ, D ગ્રેડ માટે રૂપિયા ૨૦ લાખ, E ગ્રેડ માટે ૧૦ લાખ અને F ગ્રેડ કક્ષાની ફિલ્મને રૂ. ૫ લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
ગુજરાતી ચલચિત્રોની પસંદગી માટેની તજજ્ઞ કમિટીના સભ્યોના પૂરક પ્રશ્નના ઉત્તરમાં મંત્રી ઉમેર્યું કે, રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ તજજ્ઞ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંતો, ખ્યાતનામ નામ દિગ્દર્શકો, ખ્યાતનામ કલાકારો અને ખ્યાતનામ લેખકોનો સમાવેશ કરી પેનલ તૈયાર કરી છે, તેમાંથી જરૂરિયાત અનુસારના સભ્યોની કમિટીની રચના કરવામાં આવે છે. જેમાં મોટાભાગના સભ્યો ગુજરાતી જ છે. આ કમિટી દ્વારા જે ગુજરાતી ફિલ્મોની સહાય માટે અરજીઓ આવે છે. તે તમામ ફિલ્મોનું સ્ક્રિનિંગ કરીને ગુણ આપવામાં આવે છે. જેના આધારે ગ્રેડ નક્કી કરીને સહાય આપવામાં આવે છે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૨૮ અરજીઓ મળી હતી તે પૈકી ૪૩ ફિલ્મોને સહાય ચૂકવવાના હુકમો કરી દેવાયા છે. બાકીની પડતર અરજીઓને સત્વરે સહાય ચૂકવાશે. પડતર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે અરજીદીઠ અંદાજે ૨૦૦ થી ૧૦૦૦ જેટલા વાઉચરો સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે. જેમાં થોડો સમય લાગે છે. નિર્માતાઓ દ્વારા જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે રજૂ ન કરતા વિલંબ થાય છે. આ માટે સરકાર દ્વારા સામેથી સંકલન કરીને પૂર્તતાની કામગીરી કરવામાં આવે છે. પૂર્તતા થયેથી સહાય ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યું હતું.