મુંબઈ ઇન્ડિયન્સે દુબઈમાં મિની ઑક્શન અગાઉ ગુજરાત ટાઇટન્સના પૂર્વ કપ્તાન હાર્દિક પંડ્યાને આઈપીએલ 2024 માટે પોતાની ટીમના કપ્તાન બનાવી દીધા હતા. પણ આ પછી રોહિત શર્માના ચાહકોએ આ નિર્ણયની ટીકા કરી હતી.
રોહિતને કપ્તાનીમાંથી હઠાવી દેવાયા બાદ મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને લાખો લોકોએ અનફૉલો કરી દીધું.રોહિત ટીમના કપ્તાન હતા ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કરોડ 40 લાખથી વધારે ફોલૉઅર્સ હતા. પણ હવે ટીમના માત્ર એક કરોડ 28 લાખ ફોલૉઅર્સ રહી ગયા છે.
ચાહકોએ મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિતનું સમર્થન અને ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન કર્યું હતું.
રોહિત શર્માના બદલે પંડ્યાને કેમ કપ્તાન બનાવાયા?
રોહિત શર્માના બદલે હાર્દિક પંડ્યાને કપ્તાન બનાવવાના સમર્થનમાં પણ ઘણા લોકોએ પોતાના તર્ક રજૂ રહ્યા હતા. નિષ્ણાતોએ પંડ્યાને કપ્તાન બનાવવાના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું છે કે રોહિત શર્મા 36 વર્ષના છે જ્યારે હાર્દિક પંડ્યા 30 વર્ષના છે. તેમનું કહેવું છે કે રોહિતે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પણ ગુજરાત ટાઇટન્સને હાર્દિક પંડ્યા ઓછા સમયમાં જ નવી ઊંચાઈઓ પર લઈ ગયા હતા. તેમની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે આઈપીએલ પણ જીતી. ગત સિઝનમાં તેઓ ગુજરાત ટાઇટન્સને ફાઇનલ સુધી લઈ ગયા હતા.
નિષ્ણાતોનું કહેવું છે કે એમાં કોઈ શંકા નથી કે રોહિત શર્મા સારા કપ્તાન છે. તેમણે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વાર ચૅમ્પિયન બનાવી છે. પણ આઈપીએલની છેલ્લી સિઝનમાં તેમનું બૅટ ચાલ્યું નથી. બીજી બાજુ પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ એક મજબૂત ટીમ તરીકે સામે આવી. હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના પાંચમા રેગ્યુલર કપ્તાન હશે. તેમની અગાઉ રોહિત શર્મા. રિકી પૉન્ટિંગ, હરભજનસિંહ અને સચીન તેંડુલકર ટીમની કપ્તાની કરી ચૂક્યા છે.
હાર્દિક પંડ્યાની સફળતા
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાં જોડાવવાની સાથે જ તેમની આગેવાનીમાં આઈપીએલમાં ડેબ્યૂ કરનારી આ ટીમ ચૅમ્પિયન બની ગઈ હતી. 2022ની આઈપીએલની 14મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સ પહેલીવાર મેદાનમાં ઊતરી હતી અને તેની ફાઇનલ મૅચમાં રાજસ્થાન રોયલ્સ સામે તેની સાત વિકેટથી જીત થઈ હતી.
2023માં પણ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઇનલમાં તો પહોંચી ગઈ હતી. પણ ચૅન્નઈ સુપરકિંગ્સ સામે તેની હાર થઈ હતી. બન્ને વખતે ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યા જ હતા. આ બન્ને સિઝનમાં હાર્દિક પંડ્યાએ 30 ઇનિંગમાં 833 રન બનાવ્યા હતા.